અમીર બાળક મર્સિડીઝમાં ભણવા આવે અને ગરીબ બાળકને પ્રવેશ નહીં
ગુજરાત સરકારને વિગતવાર ખુલાસો કરવા હાઇકોર્ટનું ફરમાન
૨૫ ટકા અનામતનો અમલ નહીં થતાં હાઇકોર્ટે ગુજરાત સરકારનો ઉધડો લીધો
અમદાવાદ,મંગળવાર
સુપ્રીમકોર્ટ દ્વારા રાઇટ ટુ એજયુકેશન એકટ સંદર્ભે સરકારી અને ખાનગી પ્રાથમિક શાળાઓમાં સમાજના નબળા અને પછાતવર્ગના વિદ્યાર્થીઓ માટે ૨૫ ટકા અનામતની જોગવાઇનું પાલન કરવાના સ્પષ્ટ નિર્દેશો જારી કર્યા હોવાછતાં તેનું પાલન ગુજરાત રાજયમાં અસરકારક રીતે થઇ નહી રહ્યું હોવાના મુદ્દે આજે ગુજરાત હાઇકોર્ટ રાજય સરકારને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું. આરટીઇ એકટની અમલવારી મામલે થયેલી પીઆઇએલ નં-૧૯૩/૨૦૧૪ ની સુનાવણીમાં આજે કાર્યકારી મુખ્ય ન્યાયમૂર્તિ વી.એમ.સહાય અને જસ્ટિસ આર.પી.ઢોલરિયાની ખંડપીઠે રાજયની તમામ શાળાઓમાં ૨૫ ટકા અનામતનો અમલ નહી થતાં આ મામલે ગુજરાત સરકાર પાસેથી ખુલાસો માંગ્યો છે. હાઇકોર્ટે એક તબક્કે એવી ટકોર કરી હતી ક, એક અમીર બાળક મર્સિડીઝમાં ભણવા આવે તો તેને સરળતાથી પ્રવેશ મળી જાય અને તેની સાથે બીજા ગરીબ બાળકને પ્રવેશ અપાય તો શાળાની શું ઇજ્જત બગડી જાય છે અને તેથી પ્રવેશ નથી અપાઇ રહ્યો?
જો એમ હોય તો તે બહુ ગંભીર અને ખોટુ કહેવાય. અમીર અને ગરીબ બાળકો વચ્ચે મફત અને ફરજિયાત શિક્ષણના મામલે વર્તાતી અસમાનતા નિવારવાની સરકારની ફરજ છે. હાઇકોર્ટે સરકારે રાજયમાં રાઇટ ટુ એજયુકેશન એકટની અમલવારી અને ૨૫ ટકા અનામતના પાલન માટે શું પગલાં લીધા?, જે શાળાઓ દ્વારા આ કાયદાનો અમલ કરાયો છે અને ૨૫ ટકા અનામત બેઠકો પર ગરીબ બાળકોને પ્રવેશ અપાયો છે તેમાં સરકાર કેટલી ફી ભોગવવાની છે? રાજયની કેટલી શાળાઓએ ૨૫ ટકા અનામતનું પાલન કર્યું છે અને સરકાર દ્વારા કેટલા ગરીબ બાળકોને ૨૫ ટકા અનામત બેઠકો પર દાખલ કરાવાયા છે તે સહિતના મુદ્દાઓ પર વિગતવાર ખુલાસા સાથેનું સોગંદનામું તા.૩જી ડિસેમ્બર પહેલા રજૂ કરવા રાજય સરકારને આદેશ કર્યો હતો. હાઇકોર્ટે માર્મિક ટકોર કરતાં જણાવ્યું હતું કે, આરટીઇ એકટ તો કયારનોય આવી ગયો છે તો સરકારે કેમ હજુ સુધી તેનું પાલન નથી થયું? શું કોઇ આ મામલે પિટિશન કરે ત્યારબાદ સરકાર અમલવારીના પ્રયાસ શરૃ કરે એવું છે. શું સરકારને ખ્યાલ નથી કે, આ ખૂબ જ મહત્વની અને ગંભીર મેટર છે. સરકારે જાતે તેની ગંભીરતા સમજવી જોઇએ.આજે પીઆઇએલ નં-૧૯૩/૨૦૧૪ની સુનાવણી દરમ્યાન અરજદારપક્ષ તરફથી હાઇકોર્ટનું ધ્યાન દોરાયું હતું કે, ખાનગી શાળાઓમાં હજારો રૃપિયાની ફી રળી નફાખોરી કરવાની લ્હાયમાં કેવી રીતે ગરીબ બાળકોને પ્રવેશ આપવાનો ઇનકાર કરાય છે. શિક્ષણવિભાગ દ્વારા સમાજના નબળા વર્ગના વિદ્યાર્થીઓને ખાનગી(સ્વનિર્ભર) શાળાઓમાં ૨૫ ટકા બેઠકો અનામત રાખવા તેમ જ તેઓને મફત શિક્ષણ આપવા અંગે તા.૧૮-૨-૧૨ના રોજ મહત્વનું જાહેરનામું જારી કરાયું છે ત્યારબાદ આ જ સંદર્ભે તા.૨૩-૫-૧૩ના રોજ સરકારી ઠરાવ પણ જારી કરાયો હતો. જેમાં રાઇટ ટુ ફ્રી એન્ડ કમ્પલસરી એજયુકેશન એકટ-૨૦૦૯ની જોગવાઇઓ અને નિયમોનું ચુસ્તપણે પાલન કરવા ઠરાવાયું હતું પરંતુ રાજયની શાળાઓમાં પ્રવેશ પ્રક્રિયા લગભગ પૂરી થઇ ગઇ હોવાછતાં અને નવુ શૈક્ષણિક સત્ર શરૃ થઇ ગયું હોવાછતાં ખુદ સરકારની જ સૂચના અને સુપ્રીમકોર્ટના આ અંગેના નિર્દેશોનું પાલન કરવામાં શાળા સંચાલકો સહિતના સંબંધિત સત્તાવાળાઓ નિષ્ફળ ગયા છે. વાસ્તવમાં નબળા વર્ગના વિદ્યાર્થીઓ માટે ૨૫ ટકા બેઠકો અનામત રાખી તેઓને મફત અને ફરજિયાત શિક્ષણ આપવાની વાત મહ્દઅઁશે કાગળ પર રહી ગઇ છે. ડીપીએસ સ્કૂલનું ઉદાહરણ ટાંકતાં જણાવાયું હતું કે, ડીપીએસ સત્તાવાળાઓ દ્વારા માત્ર ગરીબ બાળક શાળાએથી દૂરના અંતરે રહેતું હોવાના કારણસર પ્રવેશ આપવાનો ઇનકાર કરી દેવાયો હતો. હાઇકોર્ટે ડીપીએસ સ્કૂલ પાસેથી તેમણે ૨૫ ટકા અનામત બેઠકો મુદ્દે કેટલા અંશે અમલ કર્યો છે તેનો જવાબ આપવા મૌખિક નિર્દેશ કર્યો હતો
No comments:
Post a Comment